ડ્રોઇંગરૂમ કરતાં પણ સારૂ બાથરૂમ ડેકોરેશન

એક સમય એવો હતો જ્યારે લોકો માત્ર ઘરની સજાવટ તરફ ધ્યાન આપતાં. બાથરૂમ ડેકોરેટ કરવા પાછળ વધારે ખર્ચ કરવાનું નહીં એમ કહીને ટાળવામાં આવતું કે પાંચ મિનિટમાં નાહીને નીકળવાનું હોય તેમાં આટલો બધો ખર્ચ શા માટે કરવો? પણ હવે સમય બદલાઈ ગયો છે. બાથરૂમનું ડેકોરેશન કરવાનું ચલણ શ્રીમંતોથી લઈને મધ્યમ વર્ગના લોકો સુધી જોવા મળી રહ્યું છે અને મઝાની વાત એ છે કે તેમાં પણ કંઈકેટલીય એક્સેસરી મળે છે, અને થીમ આધારિત મોડયુલર બાથરૂમ પણ બનાવી શકાય છે.


જેમ કે રોમાંટિક થીમમાં બાથરૂમની સજાવટને ડાર્ક કલરની રાખવામાં આવે છે. સાથે સોફ્ટ લાઈટ લગાવવામાં આવે છે. બાથરૂમમાં મ્યુઝિક પ્લેયર કે પ્લાઝમા લગાવી દેવાથી રોમાંટિક માહોલ ઊભો કરી શકાય છે. આટલું ઓછું હોય તેમ જો તેમાં એલઈડી રેન શાવર લગાવી દેવામાં આવે તો એવું લાગે જાણે ઝરમર ઝરમર વરસતા વરસાદના રોમાંચિત કરી દેતા માહોલને માણી રહ્યાં હોઈએ.
જ્યારે ક્લાસિક થીમનું બાથરૂમ કોઈ હોટેલના વિશાળ રૂમ જેવું હોય છે. જો શ્રીમંત ઘરનાં લોકો ઈચ્છે તો થાર્મોસ્ટેટ મિક્સર વિથ જેટ નોઝલ્સ અને લેડ રેન શાવર લગાવી શકે છે. આ શાવર તમારા શરીરના ઉષ્ણતામાન મુજબ તમારા શરીર પર પાણી નાખે છે, જ્યારે લેડ શાવરથી હળવી હળવી રોશની તમારા શરીર પર પડતી રહે છે. જો કે તેમાં પાણીનું ઉષ્ણતામાન મેન્યુઅલી પણ કંટ્રોલ કરી શકાય છે. રિલેક્સ થવા માટે પિંક અને પીચ કલર બેસ્ટ ઓપ્શન ગણાય છે. જ્યારે બ્લેક માર્બલ યુનિક સ્ટાઈલ બની રહે છે. પરંતુ હમણાં બાથરૂમમાં એકવા શેડનું ચલણ પણ ખૂબ ચાલ્યું છે. વાઈટ એન્ડ બ્લુ ટાઈલ્સના કોમ્બિનેશન સાથે એક ઊભો પટ્ટો તરતી માછલીઓની ડિઝાઈનવાળી ટાઈલ્સનો બનાવવામાં આવે છે.


જો બાથરૂમ મોટું હોય તો નાનકડો ડ્રાય એરિયા બનાવીને ત્યાં એક દિવાલ પર મિરર લગાવી શકાય. સ્નાન કર્યા પછી તૈયાર થવા માટે આ બેસ્ટ પ્લેસ ગણાશે.
બાથટબ બાથરૂમને લક્ઝરી લુક આપવા સાથે રિલેક્સ થવાનો સારો વિકલ્પ બની રહે છે. તમે તમારા બાથરૂમના એરિયા અને આકાર મુજબ હાઈનેક, રાઉન્ડ કે અન્ય શેપનું ટબ પસંદ કરી શકો છો. તેમજ બાથરૂમમાં સોના રૂમની વ્યવસ્થા પણ કરી શકો છો. બાથરૂમને લક્ઝુરિયસ બનાવવા તેમાં ટીવી, અનોખી ડિઝાઈનના નળ, શાવર, પોશ કેબિનેટ લગાવડાવી શકો છો.
બાથરૂમની કેબિનેટમાં પણ બજારમાં ઘણી વેરાઈટી જોવા મળે છે. જેમ કે વૉશ બેસીન પર બેસાડી શકાય એવી ગ્લાસ કેબિનેટ, કાચના દરવાજાવાળી આ કેબિનેટમાં અંદર જરૂરી સામાન મૂકી શકાય છે.

જ્યારે મોટા બાથરૂમમાં કબાટ જેવી કેબિનેટ મૂકી શકાય. આ કેબિનેટમાં તમે ટુવાલ અને નેપકીનથી લઈને સ્નાન કર્યા પછી પહેરવાના વસ્ત્રો, શેમ્પૂ, સાબુ, હેર ડ્રાયર, ફેસ વોશ, બોડી વોશ, સિરમ્સ, સ્ક્રબ, મેનીક્યોર-પેડિક્યોર ટબ જેવી પ્રત્યેક વસ્તુ એકસાથે મૂકી શકો છો. તેવી જ રીતે વોલ માઉન્ટેડ કેબીનેટને દિવાલ પર મૂકી શકાય છે.

આ પોસ્ટને શેર કરો !