સુંદરતા વિશેની ટિપ્સ

ઉનાળામાં થાક ઉતારવા અને રિલેકસેશન માટે બ્યૂટિ પાર્લર અને હેર સ્પા કરાવવા માટે યુવતીઓ અને મહિલાઓ જતી હોય છે. તમે ઘરે પણ સ્પાથેરપી લઇ શકો છો અને બોડીને રિલેક્સ બનાવી શકો છો. સ્પા કરાવતાં પહેલા બોડી પોલિશિંગ કરવું પડે છે. તેના માટે બ્યૂટિ પાર્લરમાં જવાના બદલે ઘરે તમે અજમાવી શકો છો.

દહીં:- દહીં સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યમાં વધારો કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જે ઘરમાં સરળતાથી મળી રહે છે. દહીં અને સિંધાલૂણને ભેળવી લો. દહીં ચહેરા, ડોક અને બાવડા પર લગાવવાથી તે ભાગની ત્વચાની સુંદરતામાં વધારો થાય છે. સાથે જ તે વાળને પોષણ પૂરું પાડવામાં પણ ઉપયોગી છે. શરીરને અને વાળને દહીંના ઉપયોગથી કેવી રીતે સુંદર બનાવી શકાય તે જાણીએ.

– મોળું દહીં લો અને તેમાં થોડું મધ ભેળવીને હળવે હાથે બોડી પર સ્ક્રબ કરો. આનાથી ત્વચા સુંવાળી તો થશે જ, સાથે ત્વચા પરનો મેલ દૂર થશે.

– ઘટ્ટ દહીંમાં થોડું ગુલાબજળ અને થોડીક હળદર મેળવો. આને બોડી પર લેપની જેમ લગાવો અને આંગળીના ટેરવાં વડે ગોળાકાર મસાજ કરો. પંદર મિનિટ સુધી મસાજ કર્યા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. ત્વચા સુંવાળી બનશે અને રંગ ખીલશે.

– સુખડના પાઉડરમાં દહીં ઉમેરીને તેમાં લીંબુના રસનાં બે-ત્રણ ટીપાં અને ગુલાબજળ ભેળવો. એનો લેપ બનાવીને બોડી પર લગાવો. લેપ લગાવીને આંગળીના ટેરવા વડે ત્વચા પર મસાજ કરો. વીસ મિનિટ સુધી મસાજ કરીને કોટન બોલ કે સ્પંજથી બોડીને લૂછી નાખો. હવે બરફના ટુકડાને શરીર પર ઘસો. પછી ઠંડા પાણી વડે સ્નાન કરી લો. આનાથી ત્વચાનું સારી રીતે સ્ક્રબિંગ થશે અને સાથે શરીરને ઠંડક પણ મળશે.

– જો ખીલની તકલીફ હોય તો પણ દહીંનો ઉપયોગ કરવો જોઇએ. ચહેરાના જે ભાગ પર ખીલ થયા હોય ત્યાં ખાટા દહીંનો લેપ લગાવો અને તે સૂકાઇ ગયા બાદ ધોઇ નાખો. થોડા દિવસ આ રીતે કરવાથી તમને પરિણામ જોવા મળશે.

– જો તમારી ડોક અને ગળાનો ભાગ વધારે કાળો થઇ ગયો હોય તો સ્નાન કરતી વખતે ખાટા દહીંની માલશિ કરો અને પછી પાણીથી ધોઇ લો.

– જો ચહેરા પરના બ્લેક હેડ્સ દૂર કરવા હોય તો ઘઉંના જાડા લોટમાં દહીં ઉમેરી તેને ચહેરા પર લગાવવાથી બ્લેક હેડ્સ દૂર થઇ જશે.

– દહીંમાં લીંબુનો રસ ભેળવીને તેને હાથ-પગ અને ગળાના ભાગ પર લગાવો. વીસ મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઇ નાખો. ત્વચા કોમળ બની જશે.

– વાળ ધોયા પહેલા જો વાળમાં દહીં લગાવવામાં આવે તો શેમ્પૂ કર્યા પછી કંડિશનર કરવાની જરૂર પડતી નથી.

– અલગ અલગ શેમ્પૂનો ઉપયોગ કરવાથી અને હેર કલર કરાવવાથી જો વાળની ચમક ઓછી થઇ ગઇ હોય તો દહીંને ચણાના લોટમાં ભેળવીને તેની પાતળી પેસ્ટ બનાવી તેને વાળના મૂળમાં લગાવો અને એક કલાક પછી ધોઇ નાખો. આનાથી વાળની ચમક પાછી આવી જશે અને તમને ખોડાની તકલીફમાંથી પણ છુટકારો મળી જશે.

– ખોડાની તકલીફ વધારે હોય તો દહીંમાં મરીનો પાઉડર ભેળવીને માથું ધોવું જોઇએ. અઠવાડિયામાં બે વખત આવું જરૂર કરો. આનાથી વાળમાંથી ખોડો દૂર થશે. વાળ મુલાયમ અને કાળા થશે અને વાળનો જથ્થો પણ વધશે.