BedRoom
«•» ઘરના વિવિધ ખંડોમાં બેડરૂમનું ખુબ મહત્ત્વ છે. પુરૂષ આખો દિવસ દોડાદોડી કર્યા પછી કે સ્ત્રી આખો દિવસ રસોડામાં રહ્યા પછી રાતે શાંતિ અને આરામ ઝંખે છે. આ વિસામો તેને બેડરૂમમાં જ મળી રહે છે. તેથી ની બેડરૂમની સજાવટ માનવીના મનોજગત પર અસર કરે છે.
«•» આજના જમાનામાં બેડરૂમની સજાવટ એ એક આવશ્યકતા બનતી જાય છે. દરેક વર્ગની વ્યક્તિ પોતાનો બેડરૂમ આકર્ષક લાગે તેવું ઇચ્છે છે. એ માટે મુખ્યત્વે બે વાતો ઘ્યાનમાં રાખવી જોઇએ. આયોજન તથા સૌંદર્ય- અભિવ્યક્તિ.આયોજન એટલે કે રૂમ જે પ્રકારનો હોય તે મુજબ તેમાં સામાન રાખવામાં આવે, જેથી સૂતાં, ઊઠતાં, બેસતાં, તૈયાર થતાં, કબાટ ખોલતાં કોઇ પ્રકારની અગવડ ન પડે,મોકળાશ મળી રહે. રૂમમાં ફર્નિચર, સજાવટની વસ્તુઓ, કૂંડા, ટેલિફોન, ટીવી વગેરે તમામ વસ્તુઓ એકદમ વ્યવસ્થિત ગોઠવવી જોઇએ
«•» રૂમમાં એકરૂપતા હોવી મહત્ત્વપૂર્ણ છે. દરેક વસ્તુ જેવી કે દીવાલો, પડદા, બેડશીટ, ગાલીચો વગેરે સમાન રંગનાં હોય. જો કે આવી સમાનતા લાવવી એ અઘરું કામ છે, છતાં જો આમ બની શકે તેમ હોય તો બેડરૂમમાં શોભી ઊઠે છે. બેડરૂમની દીવાલો પર આછો નીલો, આછો ગુલાબી કે ક્રીમ રંગ કરાવો. આછા રંગોના સંયોજનથી શાંત તથા આરામદાયક વાતાવરણનો અનુભવ થશે.
«•» બેડરૂમમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે, પલંગ. વધારે પડતા મોટા કદના પલંગ કે ડબલ બેડ વધુ જગ્યા રોકતા હોવાથી બેડરૂમ નાનો લાગે છે. આથી પલંગનું કદ બેડરૂમને અનુરૂપ હોવું જોઇએ. પલંગ આરામદાયક હોય તથા તેના પર સ્વચ્છ, નરમ ગાદલું હોય, જેને ઋતુ મુજબ બદલી શકાય, એ વાતનો પણ ખ્યાલ રાખો. ગાદલાં યોગ્ય માપનાં જ રાખવા.
«•» ચાદરો સુંદર છાપેલી, ફૂલવાળું ભરતકામ કરેલી અથવા આકર્ષક પ્રિન્ટેડ ડિઝાઇનવાળી અને સ્વચ્છ હોવી જોઇએ. બે મોટાં અથવા ચાર નાનાં ઓશીકાં હોય તો પણ ચાદર સાથે મેચ થાય એવાં હોવાં જરૂરી છે. પલંગ પર મેલા ધાબળા, ચાદર, રજાઇ વગેરે ન રાખવાં.
«•» જો તમે વધુ ખર્ચ કરવા ન ઇચ્છતા હો તો નેતરનો બનાવેલ આકર્ષક બેકવાળૉ પલંગ ખરીદી તેના જેવા જ સેટના બે સ્ટૂલ અને એક નાનું મેજ ખરીદો. જો આના પર ફૂલોવાળી ડિઝાઇનની ચાદરો તથા ગાદી પાથરવામાં આવે, તો રૂમની રોનક જ અનેરી બની જશે.પલંગની સાથે બેડસેટ કે એક નાનું મેજ જરૂરી છે, જેના પર ટેલિફોન, ટેબલ લેમ્પ, મેગેઝીનો, પાણીનો જગ, ગ્લાસ, ચાના કપ, પ્લેટો વગેરે સહેલાઇથી રહી શકે.
«•» બેડરૂમ પણ વ્યવસ્થિત ગોઠવેલો રાખો. અસ્તવ્યસ્ત બેડરૂમનો સ્વાસ્થ્ય ઉપરાંત મનોદશા પર પણ પ્રભાવ પડે છે. સવારે ઊઠતાં જ પથારી ઝાપટીને સરખી રીતે પાથરી, શાલ- ધાબળા વગેરેને સંકેલીને મૂકો. ક્યાંય કરચલી ન હોય તેવું બેડકવર સુંદર દેખાય છે
«•» ગાદલાં નીચે મેગેઝિન, કાગળ, પોલિથીન બેગ વગેરે મૂકવાં નહીં. આના લીધે પથારી ઊંચીનીચી રહે છે તેમજ આ વસ્તુઓ કાઢવા મૂકવા માટે વારંવાર ગાદલું ઊંચું કરવાથી પથારી સરખી નથી રહેતી અને ગાદલાં પણ ઢીલાં પડી જાય છે.
«•» પલંગની નીચે પણ બૂટ, પસ્તી, બેગ, રમકડાં, થેલીઓ, તૂટેલી ચીજવસ્તુઓ, ઓજારો વગેરે ન રાખવા, કેમ કે આ બધું ગમે ત્યાંથી નજરે ચડતાં ખૂબ ગંદુ લાગે છે. પલંગની નીચે ખાલી જગ્યા હોય તો સહેલાઇથી સફાઇ કરી શકાય છે અને જીવજંતુ પણ થતાં નથી.
«•» બેડરૂમમાં લગાવેલા પડદા સ્વચ્છ રાખવા. થોડા થોડા સમયે ધોઇ, ઇસ્ત્રી કરીને લટકાવવા. તદુપરાંત, બેડરૂમમાં કુદરતી દ્રશ્યોનાં ચિત્રો અવશ્ય લગાવવાં. આનાથી રૂમની શોભામાં અભિવૃઘ્ધિ થાય છે. બેડરૂમનું બારણું ડ્રોઇંગ રૂમ કે બીજા રૂમ તરફ ખૂલતું હોય, તો ત્યાં જાળીવાળા પડદા કે તોરણ વગેરે લટકાવો.
«•» શક્ય હોય તો શયનખંડમાં ઉનાળામાં એસી અથવા કૂલર તથા શિયાળામાં હીટરની વ્યવસ્થા કરવી. છેલ્લે, બેડરૂમમાં ગોઠવેલા નાના છોડ અત્યંત સુંદર લાગે છે.
«•» આમ, બેડરૂમની સજાવટ એવી હોય, જેથી દિવસે તમને પૂરતો આરામ અને રાતે પૂરતી ઊંઘ મળી શકે. તમે બીજા દિવસે સંપૂર્ણ શક્તિ તથા સ્ફૂર્તિ સાથે કામ કરવા તૈયાર થઇ શકો.
→ બેડરૂમ
→ બેડરૂમની સજાવટ
→ બેડશીટ