Children Room
આપણા સમાજમાં હજી પણ બાળકના અલગ વ્યક્તિત્વને સ્વીકારવામાં આવતું નથી. પરંતુ બાળકનું એક અનોખું વ્યક્તિત્વ છે અને જો તેને પૂરતી તક આપીએ તો તે સંપૂર્ણપણે વિકસી શકે છે. તેથી જ બાળકોનો બેડરૂમ અલાયદો હોવો જોઈએ.
આ સ્થળ સુવાના રૂમ કરતાં ખાસ હોય છે. આ ફક્ત એક રૂમ નથી. પણ અહીં તમારા વ્લાહાઓ રમે છે, ભણે છે તથા તેના સપનાં સજાવે છે. તેથી જ રૂમને ખૂબ જ ઘ્યાનપૂર્વક, રચનાત્મકતાથી પ્રેમના સુંદર રંગો ભરીને સપનાનો મહેલ બનાવી શકો છો.
પ્રત્યેક માતા-પિતા માટે બાળકની ખુશી કરતા વધારે મોટી ખુશી કોઈ નથી અને તેથી તેઓ તેમને માટે ઉત્કૃષ્ટ હોય છે. બાળકોના રૂમની સજાવટ એટલે જમવાની, સુવાની, વાંચવાની તથા રમવાની જગ્યા ખૂબ જ સમજદારીપૂર્વક બનાવવી જોઈએ. તે લિવીંગરૂમ, લાયબ્રેરી તથા રમતગમતનું સ્થળ પણ પુરવાર થવું જોઈએ.
પ્રત્યેક બાળક અલગ હોય છે. તેમની આ વિશેષતાની ઝલક તેમના રૂમમાં દેખાવી જોઈએ. તેજ પ્રમાણે બાળક જેમ મોટું થતું જાય તેમ તેમ તેના રૂમમાં ફેરફાર કરવો જોઈએ.
બાળકનો અલગ રૂમ શા માટે હોવો જોઈએ? આ પ્રશ્ન આપણામાંથી ઘણાને થશે, પરંતુ બાળકના વિકાસ માટે આ જરૂરી છે. આનાથી બાળકો આત્મનિર્ભર બને છે તથા જવાબદારી સમજે છે. ભણવામાં એકાગ્રતા કેળવી શકે છે. ઘરના અન્ય લોકોને પણ પ્રાઇવસી મળે છે. આખા ઘરમાં તેના રમકડા રખડતાં હોય તેના બદલે તે પોતાના રૂમમાં સાચવીને રમકડા રાખી શકે તથા છૂટથી પોતાના ભાઈ-બહેન કે મિત્રો સાથે રમી શકે.
બાળક એકલું રૂમમાં રહે તો નિડર અને સાહસી બને છે. બાળકોના રૂમમાં વિવિધતા મળે તે માટે વોલપેપર લગાડો. તે ઉપરાંત ટેબલ, બંક બેડ, ગેમ્સ, કોમિક્સ, બુક શેલ્ફ અને હેંગિગ ટોયઝ એકદમ વ્યસ્થિત હોવા જોઈએ.
ફર્નિચર બનાવતી વખતે યાદ રાખો કે ખૂણા અણિયાળા ન હોય. અણિયાળા ખૂણાથી વાગી જવાનો ડર રહે છે. બેડમાં પણ બેક ફોમ હોય એટલે બાળકોને માથામાં વાગે નહીં. પલંગની ચારેબાજુ ગાલીચો પાથરેલો રાખવો જેથી તેઓ પડે તો વાગે નહીં. લાદીમાં પણ માર્બલ લગાડો. બાળકોના રૂમમાં ટીવી ન મૂકવું. જ્યારે પડદા તથા ઓછાડ ફ્લોરલ કે કાર્ટૂન પ્રિન્ટના હોવા જોઈએ. રૂમમાં બે કે તેથી વઘુ રંગોનું મિશ્રણ હોવું જોઈએ. બારીઓ એવી રીતે રાખો કે રૂમમાં વધારે ઉજાસ લાગે. જેટલી ખુલ્લી જગ્યા વધારે હશે તેટલી તેમને રમવાની મજા આવેશે.