પડદાની સજાવટ

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે.

 પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે.

આજકાલ બજારમાં વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે.

 પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે.

આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

 ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો.

 આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે.

બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ મળે છે. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કીંમતમાં મળતું હોય છે.