જરૂરિયાત અને પસંદગી મુજબ ડાઇનિંગ રૂમનું ડેકોરેશન

ઘરમાં ડાઈનિંગ ટેબલ હોય તો ભોજનની સુંદર વ્યવસ્થા થઈ શકે છે. ઉઠવા-બેસવામાં સરળતા રહે છે અને ટેબલ પર અન્ય કામ પણ સહેલાઈથી કરી શકાય છે. પ્રત્યેક ગૃહિણીએ પોતાની પસંદ અને જરૂરિયાતને ઘ્યાનમાં રાખી ડાઈનિંગ ટેબલની પસંદગી કરવી જોઈએ અને તે પ્રમાણે જ ડાઇનિંગ રૂમને સજાવવો જોઈએ.

Ξ મોડર્ન ડાઇનિંગ રૂમ:-  મોડર્ન ડાઇનિંગ રૂમમાં લાંબુ અને ઓછું પહોળું ડાઇનિંગ ટેબલ તથા ખુરશીઓ મૂકવામાં આવે છે જે અત્યંત આકર્ષક દેખાય છે. આ વ્યવસ્થા અંતર્ગત બે પરિવાર સાથે બેસીને જમી શકે છે. મોડર્ન ફર્નીચરનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે વાસણો પણ અત્યંત સ્ટાઈલીશ હોવા જોઈએ. આથી કટગ્લાસના ફલાવરવાઝને બદલે ઓક્સિડાઈઝ્ડ સ્ટીલના ફલાવરવાઝનો ઉપયોગ કરવો. ડાઇનિંગ રૂમમાં સફેદ પ્રકાશની વ્યવસ્થા કરવી. ડાઇનિંગ ટેબલની બરોબર ઉપર તેજ સફદે- પીળો પ્રકાશ મિશ્રિત લાઈટ લગાડવી. આઘુનિક ડાઇનિંગ રૂમમાં ગુલાબી રંગના શેડથી દીવાલો સજાવવી.

Ξ પારંપરિક ડાઇનિંગ રૂમ:- પરંપરાગત ડેકોરેશનમાં રસ ધરાવનારી ગૃહિણીએ નકશીદાર ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓનો સેટ બનાવવો. ડાઇનિંગ ટેબલની વચ્ચે મીણબત્તી અને ફ્રૂટ બાસ્કેટ મૂકવી. પીળા રંગનો પ્રકાશ આવે તેવી રોશનીની વ્યવસ્થા કરવી. પરંતુ ટેબલની બરોબર ઉપર તો સફેદ પ્રકાશની જ વ્યવસ્થા રાખવી. પારંપરિક ડિઝાઈનના પડદાથી ડાઇનિંગ રૂમને રાજવી દેખાવ મળશે. રૂમના ખૂણામાં ઇનડોર પ્લાન્ટ મૂકવા પણ સારા લાગશે. પરંતુ પીળા પાંદડા ધરાવતાં છોડ નકારાત્મક ઊર્જા પેદા કરે છે તે ઘ્યાનમાં રાખો. તે જ પ્રમાણે પ્લાસ્ટિકના ફૂલ, વેલ વગેરે ન લગાડવું.

Ξ વૈવિઘ્યસભર ટેબલ:-  વાસ્તવમાં તો રૂમનો આકાર અને ઘરના સભ્યોની પસંદગી પ્રમાણે ડાઇનિંગ ટેબલની પસંદગી કરવી. ટેબલ મેટ, કોસ્ટર (ગ્લાસ મૂકવાની નાની મેટ), નેપકિન હોલ્ડર, મીઠા-મરચાંની ડબ્બી વગેરે ડાઇનિંગ ટેબલને છેડે અથવા ચેસ્ટરની વ્યવસ્થા હોય તો તેમાં મૂકો. ડાઈનિંગ ટેબલ પર કૉફી પીવા બેસો ત્યારે કોસ્ટર મૂકવા અને જમવા બેસો ત્યારે ડાઇનિંગ મેટનો ઉપયોગ કરવો. નાના ઘરમાં જરૂર પડે ત્યારે ડાઇનિંગ ટેબલ સ્ટડીટેબલ બની જાય છે. અહીં બાળકો હોમવર્ક કરે છે અને લેપટોપ મૂકીને કામ પણ કરી શકાય છે. આ પ્રકારના ઉપયોગ માટે લાકડાની ફ્રેમવાળા ડાઇનિંગ ટેબલ પર કાચનું ટેબલ ટોપ લગાડવું. આ રૂમમાં કટલેરી સજાવવી નહિ. ઘૂમાડો ન પેદા કરે તેવી રંગીન મીણબત્તી મૂકવી. જોકે ટેબલ નાનું હોય અને મહેમાનો વધારે હોય ત્યારે બુફે ભોજનની વ્યવસ્થા કરવી.

Ξ હવે નાના ઘરમાં ડાઇનિંગની વ્યવસ્થા કરવી મુશ્કેલ નથી. રસોડાની પાસે રહેલી નાનકડી લોબીમાં જમવાની વ્યવસ્થા કરવા ઇચ્છો તો લાકડા અને થર્મોપ્લાસ્ટિકના ફોલ્ડીંગ ટેબલને દીવાલ પર લગાડી શકાય છે. જરૂર પડે ત્યારે આ ટેબલને ખોલીને તેનો ઉપયોગ કરી શકાય છે. આવું ટેબલ જગ્યા રોકતું નથી. જ્યાં જગ્યા મળે ત્યાં એક પર એક ખુરશીઓને ગોઠવી દેવી. આનાથી રૂમ સાફ રહેશે અને જગ્યા પણ મળશે રહેશે.