ડાઇનિંગ ટેબલની સજાવટ
વિવિધ વાનગીઓનો સ્વાદિષ્ટ રસથાળ હોય પરંતુ તેને ડાઇનિંગ ટેબલ પર બરાબર મૂકવામાં ન આવ્યો હોય તો ખાતા પહેલાંજ તેમાંથી રસ ઊડી જાય છે. ખાસ કરીને મહેમાન જમવાના હોય ત્યારે ડાઇનિંગટેબલની સજાવટ પર વિશેષ ઘ્યાન આપવું પડે છે.
– ભોજનને બે રીતે પીરસી શકાય છે. એક તો અંગત રીતે થાળીએ થાળીએ ભોજન પીરસવું અથવા તો બુફે પદ્ધતિ અપનાવવી. ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાનું હોય તો ડાઇનિંગ ટેબલ અને ક્રોકરીને વ્યવસ્થિત ગોઠવવી જોઇએ.
– બુફેની વ્યવસ્થા કરવાની હોય તો ટેબલ મોટું હોવું જરૂરી છે. જેથી બધી વાનગીઓને વ્યવસ્થિતિ રીતે ટેબલ પર રાખી શકાય.જો એ ટેબલ પર ક્રોકરી રાખવાની જગ્યા ન હોય તો અન્ય ટેબલ પર આ વ્યવસ્થા કરવી જરૂરી છે. સામાન્ય રીતે ભોજન કરનારાઓની સંખ્યા વધારે હોય ત્યારે જ બુફેની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. તેથી મોટા ટેબલની ગોઠવણ કરી હોય તો સગવડતા રહે છે.
– ડાઇનિંગ ટેબલ ક્યાં અને કઇ રીતે રાખવું તેનો આધાર આવનારા મહેમાનોની સંખ્યા પર રહેલો છે. જો મહેમાન વધારે હોય તો ટેબલને રૂમની વચ્ચોવચ રાખવું જેથી લોકોને સરળતાથી પીરસી શકાય.જો રૂમ મોટો ન હોય તો ટેબલને દીવાલને જોડીને રાખવું જેથી વધારે જગ્યા મળે અને લોકો સરળતાથી અવર-જવર કરી શકે.
– સૌથી પહેલા સાફ ટેબલ ક્લોથ લો. તમે ઇચ્છો તેવું ટેબલ ક્લોથ રાખી શકો છો, સફેદ અથવા કોઇ બીજો રંગ પસંદ કરો. ડેકોરેટિવ રિંગ્સની સાથે કલર્ડ લિનન નેપકિન પણ એક સારું લૂક આપી શકે છે. નેપકિનને મેચ કરે તેવા લિનન પ્લેસમેન્ટનો જ ઉપયોગ કરી શકાય. સૌથી પહેલા ટેબલ પર ડિનર પ્લેટ્સ રાખો. દરેક ડિનર પ્લેટની સેન્ટરમાં નેપકિન સરખી રીતે ફોલ્ડ કરીને મૂકેલા હોવા જોઇએ.
– દરેક પ્લેટની જમણી બાજું નાઇફ રાખવું જોઇએ. એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખો કે નાઇફ પ્લેટની પાસે એ રીતે મૂકવામાં આવે કે તેની બ્લેડ પ્લેટ તરફ હોય. નાઇફની ડાબી બાજુ બીજી સ્પૂન મૂકો. ઘણીવાર માત્ર સુપ સ્પૂન જ કામમાં આવે છે. ડેઝર્ટ સ્પૂન હંમેશા પ્લેટની ઉપર રાખવામાં આવે છે. પ્લેટની ડાબી તરફ કાંટા(ફોર્ક) રાખવામાં આવે છે.
– ડાઇનિંગ ટેબલ પર પ્લેટ્સ, ક્રોકરી, કટલરી તથા ટિશ્યૂપેપર એક સાઇડમાં રાખવા.
– ડાઇનિંગ ટેબલ પર વધારાની જગ્યા હોય તો ફૂલદાનીમાં ફૂલ સજાવીને ગોઠવી શકાય.
– ડાઇનિંગ ટેબલ પર પાથરેલો ટેબલક્લોથ મોંઘો હોવો જરૂરી નથી પરંતુ સ્વચ્છ હોવો જરૂરી છે. મોટી પ્લેટ્સ ટેબલની વચ્ચે રાખવી.
– મરી-મીઠાનો સેટ ટેબલની મઘ્યમાં રાખવો.
– ભોજનની શરૂઆત સૂપ, સલાડથી કરવી જોઇએ.પાણીના ગ્લાસ એક સાઇડ ટેબલ પર ભરીને ઢાંકીને રાખવા. સ્વચ્છતા સૌથી વધારે આવશ્યક છે. ટેબલ ખુરશી અને વાસણ એકદમ સ્વચ્છ હોવા જોઇએ. એક ટિપાઇ પર છેલ્લે મુખવાસની વ્યવસ્થા રાખવી.