બાળકોના રૂમ માટે માર્ગદર્શન

આજકાલ મોટા શહેરોમાં ત્રણ બેડરૂમ કે તેથી પણ વઘુ ખંડ ધરાવતા ફ્‌લેટોની ફેશન ચાલે છે. જેની પાસે પૈસા છે એ મોટા એપાર્ટમેન્ટ વસાવે છે અને તેમાં નાના બાળકો માટે અલાયદો ચિલ્ડ્રન રૂમ પણ બનાવે છે. આવા રૂમનું ડેકોરેશન અલગ સૂઝ-સલાહ માગી લે છે.

તમે ઘણીવાર કોઈ નેતાના ભાષણ કે સભાસંમેલનમાં એક વાક્ય સાંભળ્યું હશે, ”આજનું બાળક એ આવતી કાલનો નાગરિક છે.બાળકોના પોષણનો અભાવ દૂર કરવા તથા તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે નીત નવી યોજનાઓની જાહેરાતો થતી હોય છે. બાળકોની સુરક્ષા અને વિકાસ માટે આ રીતે રોજ વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે. પરંતુ તેનો અમલ ભાગ્યે જ થાય છે.

બાળકોનો મોટાભાગનો સમય ઘરમાં જ પસાર થતો હોય છે તેથી તેમના વ્યક્તિત્વ તેમ જ વિકાસ પર ઘરના વાતાવરણની સીધી અસર પડે છે. આથી તેમની શારીરિક ક્ષમતા અને સતત વધતી જતી જરૂરિયાતોનો ખ્યાલ રાખીને જ તેમના રૂમની સજાવટ, સંભાળ અને સગવડ વિશે વિચારવું જોઈએ. આ અંગે અહીં જણાવેલ બાબતો પર ઘ્યાન આપવું આવશ્યક છે :

 બાળકોના રૂમમાં બને ત્યાં સુધી ઓછામાં ઓછું ફર્નિચર રાખવું. નાના ટેબલ-ખુરશી રાખવા જેથી વધારે જગ્યા ન રોકે તથા ફર્નિચર ગોઠવ્યા પછી પણ તેમને હરવા-ફરવા તથા રમવા માટે પૂરતી જગ્યા વધે. 

  જેમ જેમ બાળકોનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેમની જરૂરિયાતોમાં પણ પરિવર્તન આવતું જાય છે. આથી એ મુજબ ફર્નિચરમાં પણ ફેરબદલ કરવાની સગવડ હોવી જોઈએ. તે માટે એવું ફર્નિચર ખરીદો જેની ઊંચાઈમાં જરૂર મુજબ ફેરફાર કરવી શકાય.

 રૂમનું ફર્નિચર ભારે ન હોવુ જોઈ જેથી તેઓ જાતે તેને તેમની સગવડ મુજબ વ્યવસ્થિત કરી શકે.

 તેમના રૂમમાં ચોપડીઓ, રમકડાં, કપડાં વગેરે રાખવા માટે કબાટ પણ હોવો જોઈએ. તેમાં એટલા ખાના આવશ્યક રાખવા કે જેમાં તેઓ પોતાની વસ્તુઓને જુદા જુદા ખાનામાં વ્યવસ્થિત ગોઠવી શકે. કબાટ રૂમના એક ખૂણામાં ગોઠવો જેથી વધારે જગ્યા ન રોકે. તેની ઊંચાઈ પણ એ એટલી બધી ન હોવી જોઈએ કે બાળકો સહેલાઈથી પોતાની વસ્તુઓ સુધી પહોંચી ન શકે.

 બૂટ-ચંપલ વગેરે મૂકવા માટે ઓરડામાં જ એક નાની રેક પણ રાખો. આનાથી એક તો બાળકોમાં પોતાની વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવાની ટેવ પડશે.

 તેમના માટે રમકડાં ખરીદતી વખતે ખ્યાલ રાખો કે તે મનોરંજન કરવાની સાથે બાળકોની રચનાત્મક ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થતાં હોય.

 ઘણા બાળકોને દિવાલ પર ચિત્રકામ કરવાનો શોખ હોય છે. આથી જો શક્ય હોય તો તેમના રૂમમાં એક રોલિંગ બોર્ડ પણ લટકાવી દો, જેથી રૂમ વ્યવસ્થિત સજાવેલ રહેશે અને તેમનો શોખ પણ પૂરો થઈ શકશે. જો રૂમની દિવાલો પર કાગળ ચોંટાડી આપવામાં આવે તો પણ બાળકોએ તેના પર દોરેલી આકૃત્તિઓને સહેલાઈથી ભૂંસી શકાય છે.

 તેમના રૂમ માટે રંગપસંદગી વખતે ચમકદાર અને આકર્ષક રંગ પસંદ કરો જો વોલપેપરલગાવવા ઇચ્છતા હો તો તેની ડિઝાઇન પણ વિવિધ રંગી તથા મનોહર હોવી જોઈએ.


બાળકોના રૂમમાં બારી અવશ્ય હોવી જોઈએ. બાળકોના રૂમમાં મોટી બારીઓ હોય તે જરૂરી છે. બારીની ઊંચાઈ એટલી હોય કે ત્યાંથી તેઓ બહારના દ્રશ્યોને સહેલાઈથી નિહાળી શકે. એ ખ્યાલ રાખવો કે બારીની જાળી વધારે પડતી પહોળી ન હોય.

 રૂમમાં પડદા આકર્ષક રંગના,સારી ડિઝાઇન તથા ફૂલવાળા હોય તો રૂમ વધારે આકર્ષક લાગે છે.

 બાળકો સ્વભાવે તોફાની હોય છે. આથી તેમના રૂમમાં એવી કોઈ વસ્તુ ન રાખવી જેના લીધે તેમને માટે નુકસાન કે ભય ઉદ્‌ભવે. તેમના રૂમમાં ઇલેક્ટ્રિક ફિટિંગ પણ સુરક્ષાત્મક રીતે કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિકનો પ્લગ પોઇન્ટ નાના બાળકો પહોંચી ન શકે એટલી ઊંચાઈએ હોય તે જરૂરી છે.

 બાળકો શારીરિક તેમ જ માનસિક રીતે કોમળ હોય છે. જો આપણે બાળકોની કોમળ લાગણીઓને વિકસવાની યોગ્ય તક આપીશું તો આ ભાવિ નાગરિકો સુંદર ફુલની માફક ખીલી ઉઠશે. માત્ર થોડી મહેનતથી જ તમે એમના રૂમમાં એવું વાતાવરણ ઉત્પન્ન કરી શકો છો જે તેમના પૂર્ણ વિકાસમાં મદદ કરે.