ગાર્ડન બનાવવા અંગે માર્ગદર્શન

ઘરમાં ફૂલોનું ગાર્ડન બનાવવાની ઇચ્છા દરેકને હોય છે. કોઈ ઘર, ફ્લૅટ કે બંગલો ફૂલોના ગાર્ડન વગર અધૂરો છે. જે રીતે ડાઇનિંગ ટેબલ પર ટેબલક્લોથ જરૂરી છે એ જ રીતે ઘરના આંગણામાં ફૂલો હોવાં જરૂરી છે. ગાર્ડન મૅનેજ કરવું ભલે આસાન કામ નથી, પણ રજાના દિવસોમાં થોડો સમય કાઢવામાં આવે તો આ કામ પણ આસાન બની શકે છે જેનું રિઝલ્ટ તમારી લાઇફ અને તમારા ઘર બન્ને માટે ખૂબ સુંદર રહેશે. તો જોઈએ આ સીઝનમાં ફ્લાવર-ગાર્ડનિંગ કરવા માટેની કેટલીક ટિપ્સ.

1. ગાર્ડનનો લેઆઉટgarden

ખૂબ ડીટેલિંગવાળા કામમાં પહોંચો એ પહેલાં ગાર્ડન કેટલી જગ્યામાં બનાવવું છે એનો લેઆઉટ નક્કી કરો. લૉન, ગાર્ડનની ઍક્સેસરી, ઝાડ અને કૂંડાં માટે યોગ્ય જગ્યા માર્કિંગ કરી લો. તમારા માઇન્ડમાં રહેલા લૅન્ડસ્કેપિંગના આઇડિયા પ્રત્યે ખૂબ શ્યૉર રહો અને આખા એરિયાને સ્ક્વેરફૂટમાં માપી લો જેથી આગળ જઈને કોઈ ભૂલ ન થાય. લેઆઉટ સારી રીતે બનાવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે એને પેપર પર ડ્રૉ કરો. ગાર્ડનના મેઇન લેઆઉટ સાથે બૉર્ડર, ફેન્સિંગ, ઘાસ અને ચાલવા માટે રાખેલા રસ્તા બધાની અરેન્જમેન્ટ કરો.

Garden2. બૉર્ડર

તમારા ફ્લાવર-ગાર્ડનને થોડો વાઇલ્ડ ટચ આપો. થોડા ક્રીએટીવ બનો અને તમારા ગાર્ડનને સૌથી સુંદર બનાવવા માટે મહેનત કરો. જોઈએ તો એકાદ-બે જાહેર ગાર્ડનની મુલાકાત લઈ લો જેથી પ્લાનિંગ કરવામાં આસાની રહે. ઘરની બહાર બનાવવામાં આવતો કે ટેરેસ પર સેટ કરવામાં આવતો ગાર્ડન ભલે નાનો હોય પણ એમાં એક ખૂણા કે સેન્ટરમાં નાનું કમળનું તળાવ બનાવી શકાય છે. તેમાં આડી ઈંટો મૂકીને ગાર્ડનની બૉર્ડર બનાવો. બૉર્ડરિંગ માટે મોટા સફેદ રંગના ગોળ પથ્થરનો ઉપયોગ પણ કરી શકાય. જ્યાં કૂંડાં મૂકવાનાં હોય એ જગ્યા માર્ક કરી લો અને બાકીની પ્લેસમાં ઝીણું ઘાસ ઉગાડો. 

flower3. ફ્લાવર્સનું સિલેક્શન

લોકલ ફૂલો જ પસંદ કરો, કારણ કે એ ફૂલો વાતાવરણ અને માટી બન્નેને અનુકૂળ રહેશે. લોકલ ફૂલો આસાનીથી વાતાવરણમાં આવતાં બદલાવો સાથે સેટ થઈ જાય છે અને રોજ ખીલે છે. જો બહારગામમાં થતાં કે હાઈ-એન્ડ કૅટેગરીનાં ફૂલો વાવશો તો એક તો એ વર્ષમાં માંડ એકાદ વાર ખીલશે અને બીજું, વાતાવરણ સેટ નહીં થાય તો કરમાઈ પણ જશે, માટે લોકલ ફૂલવાળા પાસે મળતાં રંગબેરંગી ફૂલોથી પોતાના ગાર્ડનને સજાવો. એ ઉપરાંત જુદાં-જુદાં ફૂલોની તડકા-છાંયડાની જરૂરિયાત પ્રમાણે એનાં કૂંડાંની ગોઠવણી કરો. તમે શિયાળા અને ઉનાળામાં થતાં ફૂલો પ્રમાણે પણ ફૂલોને છૂટાં પાડી શકો છો.

4. કૂંડાંનું સિલેક્શનport

ચોરસ, ગોળ, વધારે ઊંડાં કે થોડાં ફ્લૅટ એવાં ઘણા પ્રકારનાં કૂંડાં બજારમાં મળતાં હોય છે. આવાં કૂંડાંને પોતાની આવડત અનુસાર આકારમાં ગોઠવી ગાર્ડન તૈયાર કરી શકાય. નાના ફૂલના છોડવાઓ અને મોટા પ્લાન્ટ્સ માટે જુદી-જુદી ટાઇપનાં કૂંડાં પસંદ કરવાં. આમ તમે છોડવાઓની ખૂબસૂરતીને પૂરતો ન્યાય આપી શકશો. ગાર્ડનની ફેન્સિંગ કરવા માટે ઈંટો ગોઠવીને પાળ બનાવી શકાય. શેકેલી ઈંટ વાપરવી જેથી એના પર પાણી પડતાં એ ભુક્કો ન થઈ જાય અને શેકેલી ઈંટ પર શેવાળ પણ જામશે નહીં. 

article5. ગાર્ડનની માવજત

ગાર્ડન એક વખત બનાવી લીધા પછી કામ પૂરું નથી થતું, એનું ધ્યાન રાખવાની અને હંમેશાં સુંદર બનાવીને રાખવાની ગાર્ડન બનાવનારની ફરજ છે. નિયમિત અને યોગ્ય પ્રમાણમાં છોડવાઓને પાણી પીવડાવવું, યોગ્ય સમયાંતરે સુકાયેલાં પાનની કાપણી કરતાં રહેવું તેમ જ ખાતર નાખવું આ બધાં જ કામો ગાર્ડન બનાવ્યા પછી ફરજિયાત અને મહત્વનાં બને છે. ગાર્ડન મેઇન્ટેન કરવાનું કામ સરળ નથી, પણ ઇન્ટરેસ્ટિંગ જરૂર છે. જો ગાર્ડનિંગ તમારો શોખ હશે તો આ કામ તમારા માટે એક લગન બની જશે. ટેરેસ પર ગાર્ડન બનાવ્યા બાદ વધેલી જગ્યામાં જો શક્ય હોય તો લીલું ઘાસ ઉગાડીને આરામખુરસી, ડે-બેડ કે ઝૂલો મુકાવી શકાય, જેના પર બેસીને સનસેટ સાથે ચા માણવાની મજા જ અનેરી છે.

flowers6. ફૂલો

દેશી ગુલાબ, બારમાસી, ગલગોટો, સેવંતી, ઍસ્ટર, મોગરો જેવાં ફૂલો ફ્લાવર-ગાર્ડન માટે પસંદ કરી શકાય છે. આ ફૂલો લોકલ છે અને આ સીઝનમાં સારી રીતે ઊગે છે. ગાર્ડનમાં ડેકોરેશન માટે માટીના લૅમ્પ, બુદ્ધની મૂર્તિ જેવા શોપીસ રાખી શકાય.