ઘરની સજાવટ માટે વેસ્ટ બલ્બનો ઉપયોગ

ઘરની સાફ-સફાઇ કરી રહ્યાં હશો એટલે એવી ઘણી વસ્તુઓ હાથમાં આવશે, જે કદાચ તમે સીધી કચરાપેટીમાં નાખશો જેમકે ઊડી ગયેલા બલ્બના ગોળા. ઊડી ગયેલા બલ્બનો તમે થોડું શાણપણ વાપરીને સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. ઊડી ગયેલા બલ્બનો ઉપયોગ કરીને તમે આગવી રીતે ઘર સજાવશો તો ઘરે આવનારા મહેમાનો છક્ક થઈ જશે અને તમારી કુનેહને બિરદાવ્યા વિના નહીં રહે.

વેસ્ટ બલ્બનો ઉપયોગ બેસ્ટ સજાવટ માટે કેવી રીતે કરવો?

¤ ઘર સાફ કરશો તો એ સમયે તમને ઓછામાં ઓછા બે ત્રણ ઊડી ગયેલા બલ્બ તો મળી જ આવશે. આ બલ્બનો ઉપયોગ તમે જુદી જુદી રીતે કરી જ શકો છો.

¤ ટ્રાન્સપરન્ટ બલ્બને સાફ કરીને તેમાં વાટ ગોઠવીને ફાનસ જેવું તૈયાર કરી શકાય અથવા તો કોર્નર ટેબલ પર તેને વ્યવસ્થિત ગોઠવીને લાઇટિંગની સરસ વ્યવસ્થા ઊભી કરી શકાય.

¤ બલ્બમાંથી તમે ફ્લાવરવાઝ પણ બનાવી શકો છો. બે કે ત્રણ બલ્બને ગોળ ફરતાં તાર લગાવી બલ્બને તોરણની જેમ લટકતાં રાખીને તેમાં કૃત્રિમ કે તાજાં ફૂલ મૂકીને બાલ્કનીમાં એક અનોખી સજાવટ થઈ શકશે.

¤ બાળકો જો મોટાં હોય તો તેઓ સાચવીને કાચના બલ્બ ઉપર પેઇન્ટિંગ પણ કરી શકે છે. આ રીતે બાળકો માટે મજાની પ્રવૃત્તિ પણ મળી જશે.

¤ રંગીન બલ્બને તમે સરસ રીતે ગોઠવીને એક જૂથમાં બાંધીને શેન્ડેલિયરની જેમ લટકાવી શકો છો.

¤ બલ્બમાં પાણી તથા હળવા અને નાના ડેકોરેટિવ સ્ટોન મૂકીને તેને શો કેસમાં મૂકી શકાય.

¤ સાદા બલ્બમાં રંગીન પાણી ભરીને લટકાવશો તો પણ સજાવટ સપ્તરંગી બનશે.

¤ જુદા જુદા આકારના રંગીન બલ્બ હોય તો તેને આકર્ષક રીતે ગોઠવીને સેન્ટર ઓફ એટ્રેક્શન પોઇન્ટ બનાવી શકાય છે. આવા બલ્બને વાયરોમાં સરસ રીતે બાંધીને એવી જગ્યાએ ગોઠવો કે આવનારનું ધ્યાન સીધું ત્યાં જ જશે. આ પ્રકારની સજાવટ સાદા ગોળા કરતાં બંધ પડેલા રંગીન ગોળામાં વધારે દીપી ઊઠશે.

બલ્બનું ડેકોરેશન માંગશે થોડી સંભાળ

¤ બલ્બનો ડેકોરેશનમાં ઉપયોગ કરો ત્યારે તેની નિયમિત સફાઇ બાબતનું ધ્યાન બરાબર રાખવું જરૂરી છે. બલ્બ પર ધૂળ કે રજકણ જામી ગયા હશે તો એ સજાવટ સારી નહીં લાગે.
¤ બલ્બ એવી જગ્યાએ મૂકવા જેથી બાળકો કે અન્ય કોઈથી તે ફૂટી ન જાય.

આ પોસ્ટને શેર કરો !