કિચન ગાર્ડન
ઘરની આસપાસ લીલોછમ બગીચો હોય, તેમાં જાતજાતના ફળ, ફૂલ, શાકભાજી ઉગતાં હોય, સવાર-સાંજ પક્ષીઓનો કલરવ મનને તરોતાજા કરી દેતો હોય, ફૂલોની મધમધતી ખૂશ્બુથી મન તરબતર થઈ જતું હોય અને રંગબેરંગી પતંગિયા આવીને આપણા ચહેરા પર સ્મિત ફરકાવી જતા હોય એવું ઘર કોને ન ગમે? પણ મહાનગરમાં આવા ઘરની કલ્પના તો લાખોમાં એક વ્યક્તિ જ સાકાર કરી શકે.
તમે ભલે તમારા ઘરની આસપાસ બગીચો ન બનાવી શકો, પણ ઘરમાં ખાસ કરીને ઘરની બારીમાં નાના નાના છોડ વાવીને લીલોતરીનો આનંદ જરૂર ઉઠાવી શકો. તેમાંય જેને કીચન ગાર્ડનનો શોખ હોય તે તો વિવિધ પ્રકારના હર્બલ પ્લાન્ટ વાવીને પોતાના શોખ સાથે જરૂરિયાત પણ પૂરી કરી શકે. સંખ્યાબંધ પ્રકારની જડીબુટ્ટી અને વનસ્પતિ તમે તમારા રસોડામાં ઉપયોગમાં લઈ શકો અને તેનો ઉપયોગ ઔષધિ તેમજ સૌંદર્ય નિખારવા માટે પણ થઈ શકે.
જો તમને ઈટાલિયન વાનગી ખાવાનો શોખ હોય તો તમે બેસિલ, રોઝમેરી, ઓરગેનો તેમ જ ઈટાલિયન વાનગીમાં વપરાતા વનસ્પતિ અને જડીબુટ્ટી ઉગાડી લો.
પરંતુ જો તમને એશિયન ભોજન ભાવતું હોય તો લેમન ગ્રાસ, મીઠો લીમડો, કોથમીર અને ફુદીનો ઉગાડો.
કોન્ટિનેન્ટલ ફૂડના શોખીનો માટે પાર્સલી, સેજ અને થાઈમ જેવી વનસ્પતિ કોન્ટિનેન્ટલ ભોજન બનાવવામાં સહાયક બની શકે.
પરંતુ જો તમે સંબંધિત વનસ્પતિ અને જડીબુટ્ટીનો વપરાશ સૌંદર્ય નિખારવા તેમ જ ઔષધિ તરીકે કરવા માગતા હો તો તુલસી, મેરીગોલ્ડ, કેકટસ અને એલોવેરા જેવા છોડ ઉપયોગ લાગશે.
ફૂલોના શોખીનો માટે ડેઈઝી, જેરાનિયમ, ગુલાબ, બટન રોઝ કે શણગાર માટેના ફૂલો યોગ્ય પસંદગી ગણાશે. આ ફૂલો તમારા રસોડાને રંગબેરંગી બનાવી તમારા રાંધવાના થાકને ઊતારવામાં મદદરૂપ થશે.
કિચન ગાર્ડનમાં શું શું હોવું જોઈએ તેની યાદી આપતાં નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા છોડ ઉગાડવા મોટા કન્ટેનર પસંદ કરો. જો કુંડા ઊંડા અને મોટાં હશે તો તેમાં પાણી લાંબો સમય સંગ્રહાયેલું રહેશે, પરિણામે તમારે તેમાં વારંવાર પાણી નાખવાની જરૂર નહીં રહે.
જો તમે આ છોડ સૂર્યનો તડકો આવતો હોય એવી બારીમાં મુકશો તો તે સારી રીતે વિકસીત થશે. પરંતુ જો તે જગ્યાએ તડકો ન આવતો હોય તો તેને જ્યાં તડકો આવતો હોય તે જગ્યાએ થોડીવાર માટે મુકવું આવશ્યક છે.
છોડની ગોઠવણી એવી રીતે કરો કે નાના છોડ મોટા છોડની પાછળ આવે, જેથી જોરથી ફુંકાતો પવન તેને નુકસાન ન પહોંચાડી શકે. કુંડામાંથી પાણી નીકળી જવાની વ્યવસ્થા હોવી જરૂરી છે. પરંતુ માટીવાળું પાણી રસોડાની બારીમાં કે રસોડામાં ફેલાય નહીં તેને માટે કુંડા નીચે પ્લાસ્ટિકની પ્લેટ રાખો. કિચનમાં ગાર્ડનનો આ કન્સેપ્ટ આધુનિક અને ઘણોજ ઉપાયોગી છે. જેને ઘણા લોકો એ પોતાના ઘરમાં ઉપયોગ કર્યો છે.