ત્વચાના પ્રકારો ઓળખી મેકઅપ કરો

skin type

શુભ પ્રસંગે જયારે સગાં-સંબંધીને મળવા જવાનું હોય અને મેકઅપ કરવાનો હોય પણ તેમાં કયો શેડ વાપરવો તેની ખબર પડતી ન હોય ત્યારે સૌ પહેલાં આ વાત સમજી લો કે બધાની ત્વચા જુદા જુદા પ્રકારની હોય છે. તેમજ તેમની ત્વચાના ટોનમાં ફેર હોય છે.

ત્વચાના પ્રકારો

જેમ કે ગોરી ત્વચા, ઘઉંવર્ણી ત્વચા, શ્યામ ત્વચા, ઘેરી શ્યામ, ક્રીમ ડાર્ક, સન ટેન્ડ વગેરે જેવી જુદી જુદી કેટેગરીમાં મૂકી શકાય. કેટલીક વાર ૠતુ બદલાય તેમ ત્વચાના વર્ણમાં પણ ફેરફાર અનુભવાય છે. ઉનાળામાં તેમજ શિયાળામાં ત્વચા બદલાય છે. જેમ કે શિયાળામાં ફીકી જણાતી ત્વચા ઉનાળામાં ઘેરી લાગે છે.

1. ગોરી ત્વચા:- 

ગોરી ત્વચા પાતળી હોય છે અને થોડી ફિક્કી જણાય છે. ગોરી ત્વચા ધરાવતાં લોકોએ ફાઉન્ડેશનનાં પેલ કેમે, શેડને પસંદ કરવો જોઈએ. તેમજ તેની સાથે મેચ થાય તેવો ફેસ પાઉડર પણ પસંદ કરવો જોઈએ. ફેસ પાઉડરનો એક શેડ ઘેરો લઇ શકાય પણ કદી એક શેડ આછો તો ન લઇ શકાય. ચહેરાનું સૌથી આકર્ષક અંગ આંખ છે. તેના મેકઅપ માટે પેલ બ્રાઉન અથવા ગ્રે શેડ વાપરી શકાય. રુઝ અને લિપસ્ટિકનો રંગ પેલ પિન્ક પણ લઇ શકાય છે.

2. ઘઉંવર્ણી ત્વચા:-

ઘઉંવર્ણી ત્વચા ધરાવતા લોકોની ત્વચા ગોરી ત્વચા કરતાં સહેજ જાડી હોય છે. આ ત્વચા ધરાવનારને ફાઉન્ડેશન માટે પીચ અને રોઝ કલર ઉત્તમ નીવડે છે. ફેસ પાઉડર એનાથી એક શેડ ડાર્ક લઈ શકાય.

3. ઘેરી શ્યામ ત્વચા:-

આ પ્રકારની શ્યામ ત્વચા જાડી હોય છે. તેને માટે ફાઉન્ડેશન ડાર્ક ઓલિવ તથા ફેસ પાઉડર એક શેડ ઘેરો પસંદ કરાય. આંખનો મેકઅપ બ્લેકની સાથે ગ્રેના અથવા બ્રાઉનના કોમ્બીનેશનમાં લઇ શકાય. આ પ્રકારની ત્વચા માટે લિપસ્ટિકમાં રોઝ રેડ રંગ સારો લાગશે અને રુઝ કરવાની જરૂર નહિ પડે.

4. ચમકતી શ્યામ ત્વચા:-

આ પ્રકારની ત્વચા શ્યામ હોવા છતાં તેનું ટેક્સચર મુલાયમ હોય છે. આવી ત્વચાને આપણે ઘાટીલી ત્વચા તરીકે ઓળખીએ છીએ. આવી ત્વચા પર ફાઉન્ડેશન માટે લાઇટ પીચ શેડ સારો લાગશે. હંમેશા ફેસ પાવડરમાં એક શેડ ડાર્ક લેવો. આંખના મેકઅપ માટે પેલ બ્રાઉન શેડ સારો લાગશે. રુઝ અને લિપસ્ટિક માટે કોરલ, સ્પાઈસ્ડ એપ્રિકોટ અથવા ડીપ ડાર્ક રેડ શેડ વઘુ યોગ્ય રહેશે.

5. ખરબચડી ત્વચા:-

આ પ્રકારની ત્વચા રુક્ષ હોય છે. પવન, સૂર્યપ્રકાશ કે કેમેરા લાઈટ સામે સતત રહેવાથી ત્વચા આ પ્રકારની બની જાય છે. આ ત્વચાના ફાઉન્ડેશન માટે લેકટોકેલેમાઈન શ્રેષ્ઠ ઉપાય છે. આંખોના મેકઅપ માટે લાઇટ ગ્રે, લાઇટ બ્રાઉન અથવા બંનેના કોમ્બીનેશનમાં કરી શકાય. લિપસ્ટિક માટે વાઇબ્રન્ટ કોરલ શેડ લઇ શકાય. પિન્ક લિપસ્ટિક કે રેડ લિપસ્ટિક તો લગાડવી જ નહિ.

6. સન ટેન્ડ ત્વચા:-

કોઈપણ કોસ્મેટિકસ વગર પણ આ ત્વચા સુંદર તેમજ આકર્ષક લાગે છે. હળવો મેકઅપ અને મોઇશચરાઇઝર આ ત્વચા ધરાવનાર માટે પૂરતો છે. આંખના મેકઅપ માટે ગ્રે અથવા બ્રાઉન શેડ લઇ શકાય. હોઠ માટે લિપગ્લોસ જ સારુ છે. રુઝની જરૂર નથી. લિપસ્ટિક કરવી જ હોય તો પેલ પિન્ક શેડ અથવા પેલ ટોફી શેડ પસંદ કરાય.

આમ તમારી ત્વચાનો યોગ્ય પ્રકાર ઓળખીને મેકઅપ કરવો.