ડાઇનિંગને આકર્ષક બનાવતી નૅપ્કિન રિંગ

નૅપ્કિનના હોલ્ડર તરીકે વપરાતી આ ઍક્સેસરી કિચનમાં એક ડેકોરેટિવ ચીજની ગરજ સારે છે. નૅપ્કિન રિંગ ડાઇનિંગ ટેબલ પરની એક મસ્ટ હેવ ઍક્સેસરી છે, પણ એને ફક્ત જરૂરિયાતની ચીજ ન ગણવામાં આવે તો એ એક સુંદર ડેકોરેટિવ આઇટમ બની શકે છે. ટ્રેન્ડી અને સુંદર નૅપ્કિન રિંગ્સ ડાઇનિંગ ટેબલ પર ચાર્મ ઉમેરે છે. રોજબરોજના વપરાશમાં સાદી નૅપ્કિન રિંગ જ વાપરવામાં આવે છે પણ ખાસ પ્રસંગોએ વાપરવા માટે સ્પેશ્યલ નૅપ્કિન રિંગ પણ બજારમાં ખૂબ મોટી વરાઇટીમાં મળી રહે છે. આ ઉપરાંત ઘરબેઠા જ જાતે પણ નૅપ્કિન રિંગ બનાવી શકાય. નૅપ્કિન રિંગ કોઈને ગિફ્ટ આપવા માટે પણ સારો આઇડિયા છે. જોઈએ કેવી ટાઇપની રિંગ્સ પર નૅપ્કિન સજાવી શકાય.

1. લાકડાની નૅપ્કિન રિંગ

લાકડામાંથી બનાવેલી નૅપ્કિન રિંગ ડાઇનિંગ ટેબલ પર સાદી પણ સરસ લાગશે. રોજબરોજના વપરાશ માટે આવી રિંગ ઉત્તમ ગણાય છે, કારણ કે લાકડું મજબૂત તેમ જ ટકાઉ હોય છે. લાકડાની રિંગમાં પણ ડિઝાઇનોની કમી નથી. જુદા-જુદા ટાઇપના ફિનિશિંગ અને પૉલિશવાળી તેમ જ ગોળ, ચોરસ અને ફ્લાવર શેપની પણ નૅપ્કિન રિંગ બજારમાં મળી રહે છે. પ્લેન લાકડાની રિંગ લાવી એના પર પેઇન્ટિંગ પણ કરી શકાય.

2. પ્લાસ્ટિક નૅપ્કિન રિંગ

પ્લાસ્ટિક ખૂબ જ વર્સટાઇટ પદાર્થ છે જેમાંથી ગમે તે ટાઇપની ચીજ બની શકે છે અને બાકીના ચીજો કરતાં પ્લાસ્ટિકની કિંમતો પણ ખૂબ ઓછી હોય છે. માટે જો ચાહો તો પ્લાસ્ટિકની જુદી-જુદી ડિઝાઇનોની નૅપ્કિન રિંગ્સનું એક સારું એવું કલેક્શન પણ બનાવી શકાય છે. જેથી એકની એક ચીજ જોઈને કંટાળો ન આવી જાય અને બજેટમાં વરાઇટી મળી રહે.

3. બીડેડ નૅપ્કિન રિંગ


બીડેડ નૅપ્કિન રિંગ જુદા-જુદા ટાઇપના મોતી અને બીડ્સમાંથી બનાવવામાં આવે છે. જે જોવામાં સુંદર અને ડેલિકેટ લાગે છે. બીડેડ નૅપ્કિન રિંગ પણ સસ્તી જ હોય છે અને ડાઇનિંગ ટેબલને બ્રાઇટ લુક મળી રહે છે. નૅપ્કિનના કૉન્ટ્રાસ્ટ કલરના બીડ્સ પસંદ કરવા, જેથી એ ઊઠીને દેખાય. ઘરે જો મોતી હોય તો એને પણ તારમાં પરોવીને મનગમતી ડિઝાઇનની નૅપ્કિન રિંગ બનાવી શકાય છે.

4. કાપડની નૅપ્કિન રિંગ


કાપડની પટ્ટીમાં વેલક્રો લગાવી એના પર સેટિન રિબિન, બીડ્સ, બો વગેરેથી ડેકોરેશન કરી સરસ નૅપ્કિન રિંગ તૈયાર કરી શકાય. જો ઘરે બનાવવી હોય અને ક્રીએટિવિટીની કમી ન હોય તો કાપડની નૅપ્કિન રિંગમાં ડિઝાઇન અને કૉન્સેપ્ટની કોઈ કમી નથી.

5. વીંટીનો ઉપયોગ

એકસરખી આર્ટિફિશ્યલ વીંટીઓ ખરીદીને એનો ઉપયોગ નૅપ્કિન રિંગ તરીકે કરી શકાય છે. બજારમાં પ્લાસ્ટિક, મેટલ, કુંદન વર્ક વગેરે ડિઝાઇનોમાં રિંગ્સ મળી રહે છે. જેને નૅપ્કિન રિંગ તરીકે વાપરતા કંઈક યુનિક લાગશે.

6. સિલ્વર નૅપ્કિન રિંગ્સ

ચાંદીની નૅપ્કિન રિંગ કોઈ ખાસ પ્રસંગોએ વાપરી શકાય. એ ઉપરાંત આ એક ઉત્તમ ગિફ્ટિંગ ઑપ્શન પણ છે. ચાંદીમાં ડિઝાઇનની પણ ખૂબ વરાઇટીઓ છે. આવી નૅપ્કિન રિંગ મોટા ભાગે ચાર, છ, આઠ કે બારના સેટમાં આવે છે. જોકે આ રિંગ્સ થોડી મોંઘી જરૂર છે, પણ જ્યારે સૅટિન કે ટિશ્યુના નૅપ્કિન પર રાખવામાં આવશે તો એ ડાઇનિંગની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.

 

આ પોસ્ટને શેર કરો !