સુંદર શયનખંડ

બેડરૂમ એટલે કે શયનખંડ.

આપનો બેડરૂમ સુંદર, સ્વચ્છ-સુઘડ અને એક પણ વધારાની ચીજ-વસ્તુ વગરનો હોવો જોઇએ. બેડરૂમને સજાવવા લાખો રૂપિયાની જરૂર નથી પડતી,બસ તેની થોડીઘણી કાળજી લેવાથી તે વધુ સુંદર લાગે છે.

 આપણે ઘણીવાર જોયુ હશે કે કેટલાક લોકોના બેડરૂમ અસ્તવ્યસ્ત હોય છે. બેડ ઉપરાંત નાની-મોટી ઢગલો પરચૂરણ ચીજ-વસ્તુઓ બેડરૂમમાં ગમે ત્યાં અને ગમે તેમ પડેલી હોય, જેનું સ્થાન ખરેખર તો અન્ય રૂમમાં હોવું જોઇએ. ક્યારેક તો એવી સ્થિતિ હોય છે કે, બેડરૂમ  અને સ્ટોરરૂમ વચ્ચે કોઇ તફાવત રહેતો નથી!

બેડરૂમ એકદમ સ્વચ્છ હોવો જોઇએ કેમકે, વધારાની ઘરવખરી તમારા મુડને અવરોધરૂપ બની શકે છે. વળી, ડ્રોઇંગરૂમ પર પાથરેલાં ગાદલાં કે બેડશીટ્સ પણ એકદમ સ્વચ્છ હોવાં જોઇએ. રજાઇ, બ્લેન્કેટ્સ ઉપરાંત ઓશિકા અને એનાં કવર સુઘ્ધાં બિલકુલ સ્વચ્છ હોવાં જોઇએ.

 બેડરૂમમાં આપની મનપસંદ સુગંધ અગરબત્તી, ઘૂપબત્તી કે હૉલસ્પ્રે દ્વારા પ્રસરેલી હોવી જોઇએ તેનાથી સમગ્ર માહોલ ખીલી ઉઠે છે. બેડરૂમના ખૂણેખાંચરે પણ ક્યાંય કશો કચરો ન પડ્યો હોવો જોઇએ કે ન તો છત પર કરોળિયાનાં જાળાં હોવાં જોઇએ કે ન કોઇ પદાર્થ વિશેષની વાસ કે ગંધ આવવી જોઇએ. આ સ્વરૂપે સજાવેલો સ્વચ્છ-સુંદર શયનખંડ આંખોને ગમે છે.

 એક ફેંગ શૂઇ નિષ્ણાતના મત મુજબ, શયનખંડમાં ‘ગુલાબી’ રંગનું પ્રાધાન્ય હોવું જોઇએ. તેઓ કહે છે, ‘ભાવનાઓનો રંગ હોવાને કારણે ગુલાબી રંગ સંબંધને વઘુ દ્ઢ બનાવે છે અને શયનખંડ માટેનો એ શ્રેષ્ઠ રંગ છે.’ પણ, જેઓને ગુલાબી રંગ ન પસંદ હોય એમણે ગુલાબીને બદલે માટીના રંગને મળતો આવતો પસંદ પડે તે શેડ પસંદ કરવો જોઇએ.

 વળી, શયનખંડને હૂંફાળો બનાવવા માટે ફૉક્સ વૂડન ફ્લોર બનાવવો જોઇએ. દીવાનખંડ પર બિછાવેલી બેડશીટ બ્લેક હોવી સલાહભર્યું છે, જે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ પણ લાગશે, અને એ પણ ક્રીપ્સ કૉટનની હોવી જરૂરી છે.

 તમને મનગમતા સાચા ફૂલો રાખો અથવા તો દિવાલોને વધુ સુંદર બનાવવા માટે ફ્રેમ અને પોસ્ટર રાખો. તેમજ તમારા લગ્નના ફોટા રાખો જે તમને ભાવનાત્મક રીતે જોડી રાખશે.

આ રીતે, તમારો બેડરૂમ અપ-ટુ-ડેટ હોય ત્યારબાદ તમે  એમાં સોનામાં સુગંધની જેમ ચેઇઝ લૉન્ઝ, લવસીટ કે એક ઇઝી ચેર પણ ગોઠવી શકો છો, જે તમારા બેડરૂમને એના નામને અનુરૂપ લૂક આપશે. એક જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર બેડરૂમમાં યોગ્ય પ્રકાશ-લાઇટિંગનું મહત્ત્વ સમજાવતાં કહે છે, લાઇટ એ બેડરૂમનું સૌથી મહત્ત્વનું પાસું છે.

તમે ડીમર સ્વિચનો પણ બેડરૂમમાં ઉપયોગ કરી શકો છો. જેની કિંમત લગભગ માત્ર ૧૫૦થી ૨૦૦ રૂપિયા હોય છે. પરંતુ, તમારા બેડરૂમને ગ્લૅમરસ બનાવવાનો સૌથી શ્રેષ્ઠ તો કદાચ મીણબત્તીઓનો ઉપયોગ છે. બેડરૂમમાં યોગ્ય જગ્યાએ પેટાવવામાં આવેલી કળાત્મક મીણબત્તીઓ રોમેન્ટીક લૂક આપે છે.

 સાથે જ તમારા જીવનસાથી સાથેનો એકાદ સુંદર ફોટોગ્રાફ્સ બેડરૂમમાં નજીકની ટીપોઇ પર મૂકી રાખો.  આ સિવાય, બેડરૂમને સંગીત પણ હૂંફાળો બનાવી શકે.