ત્વચાની સંભાળ કરવી જરૂરી છે

સુંદરતા માટે આંતરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. તમારું શરીર અંદરથી જેટલું ફિટ હશે તેટલી જ તમારી ત્વચા ચમકતી રહેશે, પરંતુ તમે જો પૂરતો પોષક આહાર નહીં લો અને ફક્ત કોસ્મેટિક દ્વારા જ સુંદરતાને સંભાળી રાખવાનો આગ્રહ રાખશો તો એમાં તમને નિષ્ફળતા જ મળશે. તેના બદલે પોષક આહાર તથા પૂરતી સંભાળનો અસરકારક કીમિયા અપનાવવો  જરૂરી બની જાય છે. સુંદર દેખાવા માટે કાયમ એ જરૂરી નથી હોતું કે તમે મોંઘી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચો.

ઘણા લોકો ઓઈલી સ્કિનથી પરેશાન હોય છે પણ ઓઈલી સ્કિનની ખાસિયત એ છે તેના પર કરચલીઓ જલ્દી નથી પડતી અને ચહેરાની ચમક હંમેશા જળવાઈ રહે છે. પણ ઓઈલી ત્વચાની જો યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો ખુલ્લા છિદ્રો, ખીલની સમસ્યા શરૂ થતા વાર નથી લાગતી. આવી ત્વચા પર કોઈ મેકઅપ પણ જલ્દીથી સૂટ નથી થતો. ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવા માંગતા હોવ તો દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવો. શક્ય  હોય તો એ.સીનો પ્રયોગ ના કરો.

અમુક ખાસ ઉપચાર કરીને ચહેરાની ત્વચાને સદા ચમકતી રાખી શકાય છે જેમ  કે  બે ચમચી બેસન, હળદર પાવડર, ગુલાબજળ અને મધ ભેળવીને પેસ્ટ બનાવો. આને ચહેરા, હાથ-પગ અને ગરદન પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. આનાથી ત્વચામાં નિખાર આવશે. કાચા દૂધમાં હળદર ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ પગ પર લગાડો, આમ  કરવાથી શ્યામ ત્વચા ગોરી થાય છે.

આ ઉપરાંત કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણોનો વિશાળ ખજાનો ભરેલો છે. ફળો પણ એમાંનાં એક છે. ફળો ખાવાથી જે રીતે શરીરને સમતોલ અને પોષણયુક્ત આહાર મળી રહે છે તે જ રીતે ફળોને ત્વચા પર લગાવવાથી પણ ત્વચાને પોષણ મળે છે અને ત્વચા નિખરી ઊઠે છે.

આ પોસ્ટને શેર કરો !