સાંકડા રસોડાને સજાવવાની કળા

kitchen

શહેરોમાં ઘર ઘણા નાના બની ગયા છે. સામાન્ય રીતે એક રૂમ અને કિચનના ઘરમાં રસોડું તો લગભગ નાનકડી ખોલી જેટલું હોય છે. હવે આવા નાનકડા રસોડોમાં તમામ આઘુનિક ઉપકરણો વસાવીને સુવિધાજનક રીતે હરફર કરવી કે રસોઈ કરવી અત્યંત મુશ્કેલ છે. જો કે આ બાબત અશક્ય તો નથી જ. આવો જાણીએ કે ઇન્ટિરીયર ડેકોરેટરો આવા સાંકડા રસોડાને સજાવવા કેવી ટિપ્સ આપે છે…

* ઇલેક્ટ્રીક સાધન

આજના જમાનામાં ઇલેક્ટ્રીક સાધનો વગર રસોઈ કરવાની વાતથી જ ગૃહિણીઓ માટે શક્ય નથી. પરંતુ રસોડાની જગ્યાને ઘ્યાનમાં રાખ્યા વગર મોટા કદના ઉપકરણો ખરીદવામાં આવે તો મુશ્કેલી સર્જાય છે. આથી રસોડાનું કદ તથા તેમાં કેટલી જગ્યા ઉપલબ્ધ છે તે વાત ઘ્યાનમાં રાખીને જ મિકસર-ગ્રાઈન્ડર, માઇક્રોવેવ, રેફ્રિજરેટર વગેરે ઉપકરણો ખરીદવા. મોટા કદના ઇલેક્ટ્રીક સાધનો રસોડાને વઘુ નાનું બનાવે છે. વળી યોગ્ય કદના ઇલેક્ટ્રીક સાધનો ખરીદવાથી રસોડામાં મોકળાશ પણ લાગશે.

* કિચન કેબિનેટ

કિચનમાં કેબિનેટ (ચોરસ નાના બોક્સ કબાટ) એક સારો વિકલ્પ છે અને આજના સાંકડા કિચન માટે અત્યંત જરૂરી છે. અને ઘણી ગૃહિણી તો રસોડાની બધી જ દીવાલો પર કેબિનેટ લગાડાવે છે. જગ્યાની મોકળાશ ધરાવતાં રસોડામાં આ વાત યોગ્ય ગણાય. પરંતુ નાના રસોડામાં તો બધી જ બાજુ રહેલી કેબિનેટ માથા પર ઝળુંબતી હોય એમ લાગે. આવો દેખાવ દૂર કરવા કેટલીક કેબિનેટના દરવાજા કાઢી નાંખી તેને ખુલ્લી કરો અથવા તો હળવા રંગની સનમાઈકા લગાડો જેથી રસોડું બ્રાઈટ દેખાશે.

* પ્રકાશ અને હવાઉજાસ

રસોડું અંધારિયું ન હોવું જોઈએ. તેમાં પૂરતો પ્રકાશ અને હવાઉજાસ હોવો જરૂરી છે. જો રસોડામાં બારી એવી રીતે હોય જ્યાંથી ઉજાસ ન આવતો હોય તો કેબિનેટ નીચે લાઈટની એવી વ્યવસ્થા કરવી જેથી રસોઈ કરતી વખતે અંધારું ના લાગે. વળી આ રીતે લાઈટ લગાડવાથી તે ડેકોરેટીવ પણ દેખાશે.

* જગ્યાનો ઉપયોગ 

રસોડાની દીવાલમાં રહેલી જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરવો હોય તો તૈયાર કેબિનેટ બેસાડવી. ગોળ ફરી શકે તેવા રેક, ખેંચીને બહાર કાઢી શકાય તેવા રેક પણ જગ્યાની બચત કરે છે. આનાથી સ્ટોરેજ માટે પૂરતી જગ્યા પણ મળશે અને મોકળાશ પણ લાગશે.

* ગોઠવણી

નાનકડા રસોડામાં યોગ્ય ગોઠવણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નકામી વસ્તુઓથી ભરેલું રસોડું કે જ્યાં ત્યાં વાસણો કે વસ્તુઓ રખડતી હોય તો રસોડું ગીચ જ દેખાશે. રસોડાના પ્લેટફોર્મ પર વાસણોનો ઢગલો આંખોને ખૂંચે છે. તેને દૂર કરતાં જ દેખાવ બદલાઈ જશે અને રસોડું વ્યવસ્થિત દેખાશે.

* ખુલ્લું રસોડું

જો તમારું બજેટ અને મકાનનું માળખું મંજૂરી આપે તો રસોડાની દીવાલને દૂર કરવાનો વિચાર કરવો. આનાથી રસોડું ખુલ્લું થઈ જશે અને મોટું દેખાશે. વળી રસોઈ કરનારને પણ સારું ફીલ થશે. આ ઉપરાંત ડ્રોઇંગ રૂમમાં રહેલા ટીવીને પણ રસોઈ કરતાં કરતાં જોવાનો લહાવો મળશે.