વિવિધ પથ્થરોથી બગીચાની સજાવટ

તમે ઘણી વાર અનેક લોકોને બગીચા માટે બીચ પર કે નદીકિનારે પથ્થર એકઠા કરતા જોયા હશે. બગીચાનું રક્ષણ કરવા,ક્યારાની માવજત કરવા માટે પથ્થર સૌથી સસ્તું કુદરતી માધ્યમ છે. બગીચામાં સફેદ પથ્થરોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. પથ્થરનો ફૂલની ક્યારી ઉપરાંત પુલ સાઇડ અથવા ફાઉન્ટેઇનની કિનાર બાંધવા માટે યુઝ કરી શકાય છે જે નેચરલ લુક આપે છે. તો કેવા પથ્થરોનો ઉપયોગ બગીચાની સાજસજ્જા માટે કરી શકાય તે વિશે થોડું જાણીએ.

વિવિધ રંગના મારબલ

સફેદ તથા મલ્ટીકલરના પથ્થરનો ગાર્ડનમાં વધુ ઉપયોગ થાય છે. બગીચામાં પથ્થરોને ગોઠવવાની જગ્યા નક્કી કરો. બગીચામાં અમુક સ્પેસમાં માત્ર ઘાસ ઉગાડેલું હોય તો ઘાસના મેદાનમાં ચોરસ, લંબગોળ, ત્રિકોણ એમ જુદા જુદા આકારના ઘાસના મેદાન વચ્ચે જગ્યા કરીને આ પ્રકારના પથ્થર ઘાસના મેદાન વચ્ચે બેસાડો. લીલાછમ ઘાસ વચ્ચે સજાવેલા પથ્થર બગીચાને અનોખો જ લુક આપશે.

A. ગ્રે વીથ વ્હાઈટ સ્ટોન

ગાર્ડનમાં રેતી પાથરીને પણ આ પ્રકારના પથ્થર બેસાડીને બગીચાની અમુક સ્પેસને ખાસ બનાવી શકાય છે. ફૂલોની ક્યારી પાસેની જગ્યામાં આ પથ્થર બેસાડીને પ્રાકૃતિક લુક આપી શકો છો. આ પ્રકારનું એરેન્જમેન્ટ આપના ગાર્ડનને વધુ મનોરમ બનાવશે. આ સિવાય ગાર્ડનમાં રસ્તો બનાવીને તેમાં સફેદ કંકણ પાથરી તેના પર મારબલના મોટા પીસ મૂકીને ગાર્ડનની કોર્નરને સ્પેશિયલ બનાવી શકાય.

B. ગ્રે મારબલ

ફૂલોની ક્યારીમાં પથ્થરો રાખવા સિવાય, બગીચાની અંદર રસ્તો બનાવીને પણ તેમાં આ પ્રકારના પથ્થર બેસાડી શકાય છે. બંને બાજુ ફૂલછોડની ક્યારી અને વચ્ચે સફેદ, ગ્રે પથ્થરથી સજ્જ રસ્તો ગાર્ડનિંગની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે. આ રીતે બનાવેલા રસ્તા પર થોડા થોડા અંતરે વ્હાઈટ મોટી સાઇઝના માર્બલના પીસ પણ બેસાડી શકાય છે. જે ગાર્ડનને યુનિક લુક આપે છે. 

C. વ્હાઇટ મારબલ

પથ્થર સજાવટની સાથે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ગોળ, લંબગોળ, લિસ્સા પથ્થર બગીચાને સુંદર રીતે સજાવે છે, સાથે છોડનાં મૂળિયાંનું પણ રક્ષણ કરે છે. પથ્થર રાખવાથી માટીનું ધોવાણ થતું અટકે છે, તેથી મૂળિયાંની મજબૂતાઈ પણ યથાવત્ રહે છે. તદુપરાંત આવા પથ્થરોથી બગીચાની સુંદર બોર્ડર બનાવી શકાય છે. ક્યારા સિવાય ફૂલછોડના કૂડાંમાં પણ પથ્થર સજાવી શકાય છે.