કિચન ગાર્ડન બનાવો કંઇક આવું

કિચન ગાર્ડન..? નામ સાંભળીને નવાઇ લાગી હશે..! “કિચન ગાર્ડન” એટલે એવું ગાર્ડન કે જેમાં કિચનમાં વપરાતી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે.

કિચન ગાર્ડન માટે વાડો કે છૂટી જગ્યા હોવી જરૂરી નથી. તમે તમારા ફલેટની બારીઓ પર અથવા બાલ્કનીમાં તમારો કિચન ગાર્ડન બનાવી શકો છો. ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો વગેરેને કુંડામાં વાવીને તાજી વનસ્પતિનો લાભ તમે મેળવી શકો છો. આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે તમે કેવી રીતે તાજી વનસ્પતિ મેળવી શકશો તે જોઇએ.

 ≈ મીઠો લીમડો :-  મીઠા લીમડાનું નાનું વૃક્ષ હોય છે. તેને નિયમિત રીતે કાપકૂપ કરીને ઓછી જગ્યામાં પણ ઉછેરી શકાય છે. આ છોડને ઉગાડવા માટે આશરે બારેક ઇંચ ઊંડા કુંડાની જરૂર પડે છે. નિયમિત પાણી અને મહિને એકવાર ખાતર આપવાથી આ છોડ સારો પાંગરે છે.

ફૂદીનો :-  ફૂદીનો ઝડપથી વધે છે અને તેની માવજત કરવાની ખાસ જરૂર નથી. તેને વધારે પાણીની જરૂર પડે છે. તેથી દિવસમાં બે વાર પાણી આપો અને મહિને એકવાર ખાતર આપો. આ છોડ આડો વધે છે તેથી તેના માટે મોટાં કુંડાની જરૂર નથી પડતી. તેને કુંડાઓમાં ગ્રાઉન્ડ કવર તરીકે ઉગાડો.તેના મૂળ વધુ ઊંડા ના જવાને કારણે તે બીજાં છોડના મૂળને નુકસાન કરતા નથી. આ છોડને નાના કુંડાઓમાં વાવીને તેની વિપુલ માત્રા મેળવી શકાય છે. ડેકોરેટીવ-પોટસમાં વાવીને મૂકવાથી તે જગ્યાની શોભામાં વધારો કરે છે. સ્પીયર-મિન્ટ અને પીપર-મિન્ટ એ તેની સૌથી વધુ વપરાતી જાતો છે.

લીલી-ચા :-  ઘરમાં ઉગતો આ સૌથી સરસ છોડ છે. નર્સરીમાંથી લીલી-ચાનો નાનો રોપો લાવીને દસેક ઇંચ ઊંડા કુંડામાં રોપી દો. તેને પૂરતું પાણી અને ખાતર આપવાથી બે-ત્રણ મહિનામાં તે સરસ રીતે વધવા માંડે છે. તે ચારે બાજુ વધતો હોવાને કારણે તેની કાપ-કૂપ કરવી જરૂરી છે.

સ્વીટ બેસિલ :–  આ છોડ આપણાં ઘરોમાં વ્યાપકપણે મળતી તુલસી નથી. ઇટાલિયન-કૂકિંગમાં વપરાતી ‘સ્વીટ-બેસિલ’ની આ વાત છે. બેસિલને વધારે પડતું પાણી આપવાથી અથવા શેડમાં રાખવાથી તે કરમાઇ જાય છે. અન્ય આઉટડોર-પ્લાન્ટ્સની જેમ તેને પણ પૂરતા સૂર્યપ્રકાશની જરૂર પડે છે. રોજ એક વાર તેને પાણી આપો. પાણી આપવા માટે સવારનો સમય યોગ્ય છે. તેને દસ ઇંચ ઊંડા કુંડામાં વાવો. મહિને એકવાર ખાતર આપો.તેના પર ફૂલ આવે ત્યારે તેને ટ્રીમ કરતાં રહો.

આ ઉપરાંત વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે પસંદગીના શાકભાજી નિયમિત મળી રહે તેવું આયોજન કરવું. પૂરતા હવા-ઉજાસ તથા સૂર્યપ્રકાશવાળી ખુલ્લી જગ્યા પસંદ કરવી. વધારાના પાણીના નિતારની સગવડ રાખવી. વાડામાં જે જગ્યાએ વૃક્ષનો છાંયડો રહેતો હોય ત્યાં કોથમીર, અળવી, મેથીની ભાજી, પાલક વગેરેનું વાવેતર કરવું. વેલાવાળા શાકભાજી માટે અલગ મંડપ બનાવવા અથવા મકાનની છતની ધારે રોપાણ કરી તેને દોરી કે તારનો આધાર આપી ઉપર ચઢાવી શકાય જેથી વેલાના ઝડપી વિકાસ થાય તથા સારું ઉત્પાદન મેળવી શકાય.

કિચન ગાર્ડનથી મળતા લાભ :- કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની આસપાસની નકામી જમીન કે વાડાનો સદુપયોગ કરી શકાય છે. ઘરના વપરાશ માટે તાજા, સ્વચ્છ જંતુનાશક દવારહિત અને મનપસંદ શાકભાજી મેળવી શકાય છે. રોજના આહારમાં શાકભાજીના આયોજનનો પ્રશ્ન નિવારી શકાય છે. ઘરના વડીલો કિચન ગાર્ડનના નાના-મોટા કામ કરી તંદુરસ્તી જાળવી શકે છે. ઘરના વપરાશ ઉપરાંત વધારાના શાકભાજી વેચી વધારાની આવક મેળવી શકાય છે. રોજબરોજની શાકભાજી કિચન ગાર્ડનમાંથી ઉપલબ્ધ થતી હોય ઘરખર્ચ ઘટાડી શકાય છે. ઘરની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખી શકાય છે.

ઋતુ પ્રમાણે વાવેતરનું આયોજ :-  કિચન ગાર્ડનમાં લીંબુ, કેળ, પપૈયા, દાડમ, સીતાફળ અને નાળિયેરનો એકાદ વૃક્ષ વાવી શકાય. શિયાળા દરમિયાન ટામેટા, રિંગણ, ગાજર, મૂળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથીની ભાજીનું ઉત્પાદન લઈ શકાય તે રીતે આયોજન કરવું. ઉનાળામાં દૂધી, તુરીયા, ગુવારસિંગ, રિંગણ, ચોળી, કારેલા વગેરે લઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં રિંગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા જેવા પાક મેળવવા આયોજન કરવું. આમ, કિચન ગાર્ડનના માધ્યમથી ઋતુ પ્રમાણે મનપસંદ શાકભાજી થોડી મહેનતથી વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકાય છે.

શરીર માટે ઉપયોગી તત્વો મળે છે :-  આહારમાં વિવિધ શાકભાજીનો ઉપયોગ કરવાથી અનેક ફાયદા થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી તાંદળજો, મેથી, પાલક, સુવા, મૂળા વગેરેમાંથી સારા પ્રમાણમાં લોહતત્વ (આયર્ન)મળે છે. ચોળી, વાલોળ, ગુવાર, પાપડી, વટાણા, તુવેર, ચણા વગેરેમાંથી શરીરને પ્રોટીન મળે છે. ટામેટા, રિંગણ, દૂધી, ગલકા, ગીલોડા, તુરીયા, પરવળમાંથી સારા પ્રમાણમાં ક્ષારતત્વો પ્રાપ્ત થાય છે. કંદમૂળ વર્ગના બટાટા, સૂરણ, રતાળુ, શક્કરીયા,ડુંગળી, લસણ વગેરે શાકભાજીમાંથી સ્ટાર્ચ ભરપૂર પ્રમાણમાં મળે છે જે કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં શરીરને શક્તિ પૂરી પાડે છે.